દિવાળીના દિવસો, જીવન વિકાસના દિવસો
November 09, 2023

ઉત્સવ ના દિવસો આવ્યા સંગે ઉમંગ લાવ્યા. નવરાત્રી ની રમઝટ પછી દિવાળી ની જગમગતાને માણવાના દિવસો આવી ગયા. માટી ના દીવડા, ફટાકડા, કાજુકતરી, નવા કપડા, પૂજાનો સામાન વગેરે આપણે ખરીદવા જતા હોઈએ છીએ. સહુના મુખ પર સ્મિત અને ઉત્સાહ દેખાય છે. નાના થી માંડીને મોટા આ ઉત્સવ માટે આતુર હોય છે. પણ શું આપણે જાણીએ છીએ કે ઉત્સવ શા માટે મનાવવા? દિવાળીના પર્વ ની શું મહિમા છે? તો ચાલો આજે આપણે એ જાણીએ.

ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવની એક અનોખી મહિમા છે. રોજીંદા જીંદગી મા આપણે ખાઓ, પીયો અને કામ કરો એ જ ક્રમમા જીવતા હોઈએ છીએ. અને આ ક્રમ અનુસાર જીવતા અને ચાલતા આપણા જીવન મા નવીનતાનો અભાવ લાગે છે. ઉત્સવ એટલે એ દિવસો જેમાં આપણે સહુ આપણા રોજીંદા ક્રમમાં થી બહાર નીકળી મઝા માણવાના અને જીવન વિકાસ કરવાના દિવસો. ઉત્સવમાં આપણે બધા ભેગા થઈએ છીએ કારણકે આપણે આપણા જીવનમાં ઘણા સારા-નરસા પ્રસંગો થી પસાર થઈએ છીએ. અને એવા સમયમાં આપણા માનસિક સ્વાથ્ય પર અજાણ્યા અસર થતી રેહતી હોય છે જે આગળ જઈને બાધારૂપ વિષય પણ બની શકે છે. બીજુ કારણ એ કે આપણે બધા એક બીજા સાથે ભાવ-પ્રેમના સબંધો બાંધવા અને તે સબંધોને સાચવવા પોષણ મળતું રહે તે માટે એકત્ર થઈએ છીએ. બધાની સાથે ભેગા મળીને તહેવારો અને ઉત્સવો માણવા એ એક અલગ મઝાની જ વાત છે!

 દિવાળીના દિવસોની પણ એક અલગ જ મહિમા છે. ધનતેરસ એટલે ધન્વન્તરી (પ્રાચીન ભારતીય  મેડીકલ સાયન્સના પ્રણેતા) અને લક્ષ્મીપૂજન નો દિવસ જેમાં વ્યક્તિ ધનલક્ષ્મી, સ્વાસ્થ્યલક્ષ્મી, ગુણલક્ષ્મી, વૈભાવલક્ષ્મીની માંગણી કરે છે. તે પછીનો દિવસ એટલે નરક ચતુર્દશી જેમાં આપણે નરકાસુરનો વધ કરવાવાળી દિવ્ય શક્તિની ઉપાસના કરીએ છીએ. દિવાળીનો દિવસ એટલે પ્રભુ શ્રીરામના આગમનનો દિવસ અને તેના ઉપલક્ષમાં ઘેર-ઘેર દીવા કરવામાં આવે છે. તે પછીનો દિવસ એટલે નવું વર્ષ જેને આપણે બલીપ્રતિપદા તરીકે પણ ઓળખીએ છીએ. પછી આવે ભાઈબીજ એટલે ભાઈ-બહેનનો દિવસ જેને આપણે યમદ્વિતીયા પણ કહીએ છીએ. એ દિવસે બહેન પોતાના ભાઈમા ચંદ્ર જેવા ગુણો જેમકે શીતળતા, પ્રકાશ અને તેનું ગુણસૌન્દર્ય ખીલે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે.

દિવાળીના પાંચ દિવસના ઉત્સવ એ ફક્ત ધાર્મિક અર્થ જ નથી ધરાવતા પણ એની સાથે ઘણા અર્થ સંકળાયેલા છે. દિવાળી એટલે આપણા વ્યક્તિક અને સામાજિક વિકાસના દિવસો. દિવાળી એ આંતરિક પ્રકાશનો તહેવાર છે. પણ આપણામાં આંતરિક પ્રકાશ ક્યારે પ્રજ્વલિત થાય? જયારે હું પોતાની સાથે બેસું અને પોતાના મનને સમજવાનું પ્રયત્ન કરું. પોતાના મનમાં રહેલા દોષો જે મારા માનસિક સ્વાસ્થ્યને બગાડે છે એને જાગૃતરૂપે ઓછા કરવાનો પ્રયાસ કરું. ઇન્દ્રિય પર સંયમ રાખું, મન અને બુદ્ધિનો સમન્વય સાધુ, અહંકાર, ભય, ક્રોધને છોડી ઉદ્વેગ હટાવું. બીજાની માટે રાગ-દ્વેષ ના રાખું. જીવનમાં દક્ષતા લાવું અને સૌથી મોટી વાત એટલે શ્રદ્ધા. પોતાના આંતરિક શત્રુઓને પોતાના મિત્રો બનાવી યોગ્ય જીવન જીવું. પોતાના પર પૂર્ણ શ્રદ્ધા ‘Self Confidence’ રાખું અને સરસ ઉલ્લાસમય જીવન જીવવાનું પ્રયત્ન કરું. નારાકચતુર્દશી પર ચાર રસ્તા પર ગોટા અને પાણી નાખીને મારા ઘરની કકળાટ ઘરની બહાર ફેંકી અંધશ્રદ્ધાને આસરો ન આપુ. સૌથી પહેલા પોતાના મનમાંથી કકળાટ દુર કરું. નરકાસુરને મારવાવાળી સ્ત્રી એટલે શ્રીકૃષ્ણના પત્ની સત્યાભામાની જેમ  ‘Women Empowerment’ કરું અને બધાને સશક્ત બનાવુ. નવા વર્ષે જીવનનું વિકાસ થાય તે માટે નવા સંકલ્પો લઉ. જયારે મારી ઓળખાણ મારા મન અને બુદ્ધિ સાથે થશે ત્યારે હું મારા માનસિક સ્વાસ્થ્યને પણ સાચવી શકીશ અને તેના ફળસ્વરૂપે મારું શારીરિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેશે. તો ચાલો આપણે બધા દિવાળીના દિવસોની સાચી મહિમા જાણી સ્વવિકાસના રસ્તે ચાલીયે.     

-શ્રુતિ તિવારી